સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૧૬૩૩ મતદાન મથકો માટે કૂલ ૧૧૩૪૩ ચૂંટણીકર્મીઓ ફરજ બજાવશે
પંચાયતોની ચૂંટણીમાં ૧૩૪૧૫૩૫ અને બે નગરપાલિકામાં ૯૨૧૯૯ મળી કૂલ ૧૪૩૩૭૩૪ મતદારો
દાહોદ જિલ્લાના ૩૬૦ સંવેદનશીલ, ૮૯૪ અતિસંવેદનશીલ મતદાન મથકો પર હથિયારધારી જવાનો તૈનાત
મતદારો કોઇ પણ લાલચમાં આવ્યા વિના, ભયમુક્ત બની મતદાન કરવા કલેક્ટર શ્રી ખરાડીનો અનુરોધ
દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની આગામી તા. ૨૮ના રોજ યોજનારી ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી રીતે યોજાઇ તે માટેની જિલ્લા પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પંચાયતોની ચૂંટણીમાં ૧૩૪૧૫૩૫ અને બે નગરપાલિકામાં ૯૨૧૯૯ મળી કૂલ ૧૪૩૩૭૩૪ નાગરિકો તેમને મળેલા મતાધિકારના બંધારણીય મતાધિકારનો ભયમુક્ત રીતે ઉપયોગ કરી શકે એ પ્રકારે તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોતાને મળેલા મતાધિકારીનો ઉપયોગ કરવાની અપીલ નાગરિકોને કલેક્ટરશ્રીએ કરી છે.
સમુહ માધ્યમોના પ્રતિનિધિઓ સાથે વાતચિતમાં કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું કે, દાહોદ જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયતો અને દાહોદ નગરપાલિકાની સામાન્ય અને ઝાલોદ નગરપાલિકાની ચૂંટણી માટે તા. ૨૧ના રોજ પ્રત્યક્ષ રીતે ૧૧૩૪૩ ચૂંટણીકર્મીઓ જોડાશે. જેમાં ૧૬૩૩ પ્રિસાઇડિંગ ઓફિસર, ૧૬૩૩ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, ૫૩૫૭ મતદાન અધિકારી અને ૧૬૩૩ પટાવાળા મતદાન મથકોમાં ફરજ બજાવશે. આ ઉપરાંત પ્રત્યક્ષ ફરજમાં જરૂરી સ્ટાફને અનામત રાખવામાં આવ્યો છે. આ સ્ટાફને તેમના નિયત સ્થળે પહોંચાડવા ૧૧૯ સરકારી બસો અને ૧૦૦૨ અન્ય વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે.
દાહોદ જિલ્લામાં આ ચૂંટણીમાં કૂલ મળી ૩૬૦ સંવેદનશીલ, ૮૯૪ અતિસંવેદનશીલ મતદાન મથકો નિયત કરવામાં આવ્યા છે. અહીં એસઆરપીના હથિયારધારી જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત સ્થાનિક પોલીસ, એલઆરડી, જીઆરડીના જવાનો પણ ફરજ બજાવશે. જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરના માર્ગદર્શન હેઠળ ૧૬૦ ક્યુઆરટી, ૧૦ સ્ટ્રાઇકિંગ ફોર્સ કાર્યરત રહેશે. કોઇ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ સતર્કતાથી સતત પેટ્રોલિંગ કરશે. દાહોદમાં ૨૬૦૦ પોલીસ જવાનો તૈનાત કરાશે. જેમાં ૧૪૦૦ જીઆરડી, ૧૨૦૦ હોમગાર્ડ, ત્રણ એસઆરપી અને એક બીએસએફની કંપનીના જવાનો પણ જોડાશે.
એસપી શ્રી જોયસરે જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં કુલ ૪૮૧૯ હથિયારો જમા લેવામાં આવ્યા છે. ૮૧૨ વ્યક્તિ સામે બિનજામીન પાત્ર વોરંટની બજવણી કરાઇ છે. ૩૦ સામે પાસા અને ૧૩ને તડીપાર કરવામાં આવ્યા છે. કુલ ૧૦૬૨૦ વ્યક્તિ સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. નાસતા ફરતા ૯૯ આરોપીઓને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
તેમણે ખાસ કરીને યુવાનોને અપીલ કરતા જણાવ્યું કે, ખોટી રીતે ઉન્માદમાં આવીને કાયદો હાથમાં લેવાનો પ્રયત્ન કરવો નહીં. આમ કરવાની યુવાનોની કારકીર્દિને અસર કરશે. ચૂંટણીની સાથેની બાબતો અને મનમોટાવ ચૂંટણી પૂર્ણ થયા બાદ તુરંત ભૂલી જવાય એ ઇચ્છનીય છે.
મતદાન મથકો ઉપર કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને રાખી રાજ્ય ચૂંટણી પંચ તથા આરોગ્ય વિભાગ દ્વારા અપાયેલી સૂચનાઓનું પાલન કરવામાં આવશે. મતદાન કેન્દ્રો ઉપર સેનિટાઇઝેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ પાસેથી મળેલી યાદી પ્રમાણે કોરોના પોઝેટિવ, હોમ આઇસોલેટ અને ક્વોરોન્ટાઇન રહેલા નાગરિકો સાંજના પાંચ વાગ્યા પછી આરોગ્યલક્ષી વ્યવસ્થા સાથે મતદાન કરી શકશે.
મતદારો એ વાત ભૂલે નહીં કે મતદાન કરવાનો સમય સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીનો છે અને મતદાન કરવા આવતી વેળાએ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. આ ઉપરાંત, મતદાન કેન્દ્રો ઉપર નિયત કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ સામાજિક અંતરના નિયમોનું પાલન કરવાનું રહેશે. મતદાત ઓળખપત્ર ઉપારાંત ચૂંટણી વિભાગ દ્વારા માન્ય કરવામાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, મનરેગાના કાર્ડ સહિતના ૧૪ ઓળખપત્રો માન્ય છે.
દાહોદ જિલ્લા પંચાયતની ૫૦ બેઠક માટે કૂલ ૧૫૯ હરીફ ઉમેદવારો છે. એ જ પ્રમાણે તાલુકા જોઇએ તો દાહોદ તાલુકાની ૩૭ (એક બિનહરીફ) બેઠકો માટે ૧૧૯, દેવગઢ બારિયા તાલુકામાં ૨૮ બેઠકો માટે ૬૨, સંજેલી તાલુકાની ૧૬ બેઠકો માટે ૪૩, લીમખેડા તાલુકાની ૨૨ (બે બિનહરીફ) બેઠકો માટે ૫૭, ફતેપુરની ૨૮ બેઠકો માટે ૯૧, ગરબાડાની ૨૪ બેઠકો માટે ૭૬, ધાનપુરની ૨૩ (એક બિનહરીફ) બેઠકો માટે ૬૧, ઝાલોદમાં ૩૮ માટે ૧૦૯, સિંગવડાની ૧૭ (એક બિનહરીફ) બેઠકો માટે ૪૪ હરીફ ઉમેદવારો છે. જ્યારે, દાહોદ નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ૯ વોર્ડની ૩૬ બેઠકો પૈકી એક બિનહરીફ થઇ છે. બાકીની ૩૫ બેઠકો માટે કૂલ ૧૨૯ ઉમેદવારો છે.
કલેક્ટર શ્રી ખરાડીએ જાહેર અનુરોધ કરતા કહ્યું કે મતદારો કોઇ પણ લાલચમાં આવ્યા વિના, ભયમુક્ત બની મતદાન કરી લોકશાહીના આ પર્વમાં સહભાગી બને એ જરૂરી છે.
આ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ. જે. દવે પણ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦
ખબર 24 એક્સપ્રેસ, નાગેશ્વર સેન દાહોદ
ગુજરાત બીયુરોચીફ