
દાહોદમાં ગત બે માસમાં ૩૦૨૩ હેન્ડપંપ રીપેર કરી દોઢ લાખ જેટલી વસ્તી માટે પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ લવાયો
૦૦૦
જિલ્લામાં બગડેલા હેન્ડપંપ માટે ટોલ ફ્રી નં. ૧૯૧૬ કાર્યરત
૦૦૦
દાહોદ જિલ્લો ઘણી ભૌગોલિક પ્રતિકુળતા ધરાવતો જિલ્લો છે. જિલ્લામાં પીવાના પાણી માટે હેન્ડપંપ એક મહત્વનો સોર્સ છે. જિલ્લાના કુલ ૬૯૧ ગામોમાં ૪૧૪૦૩ જેટલાં હેન્ડપંપ લોકોને પીવાનું પાણી પુરૂ પાડે છે. ઓછામાં ઓછા ૧૦ કુંટુંબો એક હેન્ડપંપમાંથી ઘરેલું વપરાશ માટે પાણી મેળવે છે. આ હેન્ડપંપ જો કોઇ કારણસર બંઘ પડે તો આ કુંટુંબો માટે પાણીની મોટી સમસ્યા ઉભી થાય.

જિલ્લામાં કોઇ પણ જગ્યાએ હેન્ડપંપ બંઘ થઇ જવાની સમસ્યાના સત્વરે નિરાકરણ માટે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની યાંત્રિક શાખા સતત કાર્યરત હોય છે. ગત બે મહિનાની વાત કરીએ તો જિલ્લામાં કુલ ૩૦૨૩ જેટલાં હેન્ડપંપ રીપેર કરવામાં આવ્યા હતા. એટલે કે અંદાજે ૩૦ હજાર જેટલાં કુંટુંબો અને દોઢ લાખ જેટલી વસ્તી માટે પાણીની સમસ્યાનું ત્વરિત નિકાલ લાવવામાં આવ્યો હતો. સરેરાશ રીતે જોઇએ તો એક હેન્ડપંપ રીપેર કરવા માટે અંદાજે ૭૬૫ રૂ. નો ખર્ચ થાય છે. એ રીતે જોઇએ તો અંદાજે રૂ. ૨૫ લાખ જેટલો ખર્ચ હેન્ડપંપ રીપેર કરવા માટે શાખા દ્વારા કરવામાં આવ્યો છે.

જિલ્લામાં આ માટે એક ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૯૧૬ આ માટે કાર્યરત છે જેના પર હેન્ડપંપ બગડયો હોય તો ફોન કરીને મદદ મેળવી શકાય છે. યાંત્રિક શાખા દ્વારા જિલ્લામાં આ કામગીરી માટે કુલ ૨૮ ટીમો બનાવવામાં આવી છે અને જરૂર જણાય તો આ ટીમમાં વધારો પણ કરી શકાય છે. છેલ્લા બે મહિના દરમિયાન વિભાગ દ્વારા તાલુકા પ્રમાણે કરેલી કામગીરી જોઇએ તો દાહોદમાં ૬૬૧, ગરબાડામાં ૩૨૩, ઝાલોદમાં ૩૬૨, ફતેપુરામાં ૨૪૦, સંજેલીમાં ૫૨, લીમખેડામાં ૫૮૨, સીંગવડમાં ૨૫૮, દેવગઢબારીયામાં ૩૧૦ અને ધાનપુર તાલુકામાં ૨૩૫ હેન્ડપંપ રીપેર કરવામાં આવ્યા હતા.
વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી જણાવે છે કે, અમારી ૨૮ ટીમો દ્વારા કોઇ પણ અંતરિયાળ ગામામાં પણ હેન્ડપંપ બગડયો હોય તો સત્વરે કામગીરી હાથ ધરી ત્વરિત નિકાલ લાવવામાં આવે છે. જરૂર જણાઇ તો ૨૮ ટીમોમાં વધારો પણ કરીએ છીએ. અમારો ટોલ ફ્રી નંબર ૧૯૧૬ નો ગ્રામજનો બંઘ પડેલા હેન્ડપંપને રીપેર કરવા માટે અવશ્ય ઉપયોગ કરે.
૦૦૦
ખબર 24 એક્સપ્રેસ નાગેશ્વર સેન દાહોદ
ગુજરાત બીયુરોચીફ
7046059323